વડોદરા:અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ગુજરાતની એક માત્ર રાઇફલ શૂટિંગ ક્લબ વડોદરામાં આવેલી છે આ શૂટિંગ ક્લબમાં ઓલિમ્પિકમાં શૂટિંગ સ્પર્ધામાં હોય એવી જ ઇલેકટ્રોનિક ટાર્ગેટ સિસ્ટમ છે હાલ આ ક્લબમાં 27 યુવક-યુવતીઓ આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધા માટે તાલીમ લઇ રહ્યા છે
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના રેન્જ ઓફિસર તુષાર સાંળુખેએ જણાવ્યું હતું કે, વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ઓલિમ્પિકમાં શૂટિંગ સ્પર્ધા માટે જે ઇલેકટ્રોનિક ટાર્ગેટ સિસ્ટમનો ઉપયોગ થાય છે, અહીં પણ તેવી જ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ઇલેકટ્રોનિક ટાર્ગેટ સિસ્ટમ છે જે ગુજરાતમાં એક માત્ર વડોદરામાં છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી શૂટિંગ એકેડમીમાં 27 યુવક-યુવતીઓ 10, 25 અને 50 મીટર રેન્જના શૂટિંગની તાલીમ લઇ રહ્યા છે આ એકેડમી દ્વારા વધુમાં વધુ શૂટરો ઓલિમ્પિક સુધી જાય અને ગોલ્ડ મેડલ લાવે તે પ્રમાણે દરેક કોચ મહેનત કરે છે
2017થી અત્યાધુનિક ઇલેકટ્રોનિક ટાર્ગેટ સિસ્ટમ દ્વારા તાલીમ
રેન્જ ઓફિસરે વધુમાં જણાવ્યું કે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલતી એકેડમીનું સંચાલન વીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવે છે જેમાં બરોડા રાઇફલ ક્લબ પણ શૂટરોને તાલીમ આપવાનું કામ કરે છે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ શૂટિંગ ક્લબમાં અગાઉ પેપર ટાર્ગેટ ઉપર શૂટિંગની તાલીમ આપવામાં આવતી હતી પરંતુ વર્ષ-2017થી અત્યાધુનિક ઇલેકટ્રોનિક ટાર્ગેટ સિસ્ટમ દ્વારા યુવાનો અને યુવતીઓને રાફઇલ-પિસ્તોલ ટાર્ગેટની તાલીમ આપવામાં આવી રહી છે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ટાર્ગેટ સિસ્ટમની સુવિધા દિલ્હી, કેરળ અને પૂણે બાદ ગુજરાતમાં એક માત્ર વડોદરામાં છે
જુનિવર્લ્ડકપમાં વિશ્વાએ સિંગલ અને ટીમ મળી બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી એકેડમી દ્વારા વર્ષ-2018માં જર્મની ખાતે યોજાયેલા જુનિયર વર્લ્ડકપમાં વિશ્વા દહિયાએ સિંગલ અને ટીમ મળી બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે જ્યારે હર્ષરાજ ગોહિલ વર્ષ-2019માં જર્મની ખાતે યોજાયેલી જુનિયર વર્લ્ડકપમાં રાઇફલ સ્પર્ધામાં ભાગ લઇ ચૂક્યો છે આ ઉપરાંત હેમા કેશી, અમિત પીલાનિયા પણ ઇન્ટરનેશનલ શૂટિંગમાં ભાગ લઇ ચૂક્યા છે આગામી દિવસોમાં આ એકેડમી દ્વારા વધુ યુવક-યુવતીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લે તે રીતે શૂટરોને તાલીમ આપવામાં આવી રહી છે
ધાર્યું નિશાન તાકવા વિશેષ પ્રકારનો પોષાક પહેરવો જરૂરી
રેન્જ ઓફિસરે આગળ જણાવ્યું હતું કે, શૂટિંગ ક્લબમાં તાલીમ માટે આવનાર યુવક અને યુવતીઓને સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે રાઇફલ-પિસ્તોલ શૂટિંગ માટે વિશેષ પ્રકારનો પોષાક પહેરવાનો હોય છે આ પોષાકને કારણે શૂટરની એકાગ્રતા વધે છે અને તે ધાર્યું નિશાન તાકી શકે છે આ એકેડમી દ્વારા વધુમાં વધુ શૂટરો ઓલિમ્પિક સુધી જાય અને ગોલ્ડ મેડલ લાવે તે પ્રમાણે દરેક કોચ મહેનત કરે છે તેમજ તાલીમાર્થી યુવક અને યુવતીઓ પણ મહેનત કરે છે