બનાસકાંઠા જિલ્લામાં થયેલા વરસાદને પગલે જિલ્લાના મુખ્યમથક પાલનપુરના મોટાભાગના માર્ગો પર ખાડારાજ સર્જાયું છે. અને ખાડારાજને પગલે અનેક નાનામોટા અકસ્માતો સર્જાઈ
રહ્યા છે. જોકે ચોમાસુ પૂરું થવાને આરે હોવા છતાં પણ તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી હાથ ન ધરાતા શહેરીજનોમાં રોષ ભભૂક્યો છે.
પાલનપુરના મોટાભાગના માર્ગો પર ખાડારાજ સર્જાયું
ચોમાસાની ઋતુ દરમ્યાન થયેલા વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરના અનેક માર્ગો ધોવાઈ ગયા છે અને માર્ગો પર ખાડારાજ સર્જાયા છે. શહેરના ગુરૂનાનક
ચોકથી ગઠામણ દરવાજા, ગણેશપુરા, વડલીવાળા પરા, ગોબરી રોડ સહિતના અનેક માર્ગો પર બે ફુટ ઉંડા ખાડા પડી જતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જો કે જાહેર
માર્ગો પર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવાને બદલે પાલિકા આંખ આડા કાન કરતા શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
પાલિકા પોતાના આંતરિક વિખવાદોમાં સપડાયેલી
મહત્વની વાત છે કે પાલનપુર પાલિકા પોતાના આંતરિક વિખવાદોમાં સપડાયેલી છે. જો કે પાલિકાના પ્રમુખ હેતલબેન રાવલએ પાલિકા પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું અને તે બાદ 4
દિવસ અગાઉ જ પાલિકાને નવા પ્રમુખ મળ્યા છે. ત્યારે પાલિકાના આંતરિક વિખવાદોનો ભોગ જાણે પ્રજા બની રહી હોય તેમ શહેરનો વિકાસ રૂંધાયેલો આ માર્ગો પરથી જોવા મળી રહ્યો
છે. જો કે કેટલાક માર્ગોની તો સ્થિતિ એવી છે કે રીક્ષા ચાલકો પણ આ માર્ગ પરની વર્ધી લેતા જ નથી તેને જ કારણે શહેરીજનોને પણ ભારે હાલાકી ભોવવવી પડી રહી છે.